RSS

આજના યુવાનની દિશા અને દશા

19 મે

વિશાળ જગતમાં અસ્તિત્વ ધરાવતી દરેક ચીજ –વસ્તુના અસ્તિત્વ અને વિકાસ પાછળ કોઇ ને કોઇ પરિબળનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુખ્ય આધાર રહેલો છે. અસંખ્ય કુટુંબોના સમુહ રૂપે આકાર પામેલ માનવસમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવાવર્ગનું આગવું પ્રદાન હોવાથી સમાજમાં યુવાવર્ગને યુવાધન તરીકે નવાજી તેની પ્રશંસા કરવામાં આવે છે.

       વાસ્તવિક જીવનમાં સુખ-સગવડોને પ્રાપ્ત કરવા વપરાતા વિનિમયનું માધ્યમ નાણું તેમજ વૈભવી ઓળખ અપાવતી સંપતિને ધન તરીકે ઓળખવામાં આવે છે. તેવી રીતે દેશની પ્રગતી,સુખ,શાંતિ અને સલામતીમાં યુવાવર્ગની આગવી ભૂમિકા હોવાથી યુવાવર્ગ યુવાધન તરીકે ઓળખાય છે. તેથી દેશની ધરોહર સમાન યુવાધન સક્ષમ,સબળ,સક્રિય અને સજાગ હોવું અનિવાર્ય છે.

       પણ આજે આપણા યુવાધનની દિશા અને દશા બદલાઇ ચૂકી છે. જે સામાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આજે આધુનિકતામાં અંધ બનેલો યુવાન દિશા ભટકી રહ્યો છે. આજનો  યુવાન પ્રાચીન આચાર-વિચારોનો ત્યાગ કરી આધુનિક દેખાવા પોતાની દિશા બદલી પોતાની જવાબદારીઓથી વિમુખ થઇ રહ્યો છે. પહેલા યુવાનોના હદયમાં મા-બાપનું આગવુ સ્થાન હતું અને મા-બાપની આજ્ઞા શિરોમાન્ય ગણાતી પરંતુ આજે વધતા જતા ધરડાધરોનું પ્રમાણ યુવાનોની બદલાતી  દિશાનો જીવતો-જાગતો પૂરાવો છે.

       આધુનિક યુગમાં વિજ્ઞાનનાં નવાં આવિષ્કાર પામેલા ઉપકરણોના માધ્યમ થકી પશ્વિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો ધણોખરો યુવાવર્ગ આપણી સંસ્કૃતિને વિસરી રહ્યો છે.અને સમાજમાં અવનવી મુશ્કેલીઓનું નિર્માણ કરી રહ્યો છે.

       આજે દેશની સાચી સંપતિ ગણાતું યુવાધન આઝાદ ભારતમાં વ્યસનોનું ગુલામ બની ઊધઇ ખાધેલા ઇધણ જેવી પરિસ્થિતિ ધરાવે છે. શું આપણા સૌ માટે આ ચિંતાનો વિષય નથી?

       સંસારસાગર અનેક વિવિધ મુશ્કેલીઓથી ભરેલો છે. જીવનમાં ડગલે ને પગલે આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની. ઉપરાંત કુટુંબની સુરક્ષા,ભરણ-પોષણ તથા અન્ય જરૂરીયાતો સંતોષવાની જવાબદારી યુવાનોના શિરે છે. તેમજ દેશની રક્ષા કરવાની તેમજ દુનિયાના દેશો સાથે કદમ સાથે કદમ મિલાવી દેશનો વિકાસ કરવાની જવાબદારી યુવાવર્ગની છે. પરંતુ વ્યસનોના વમળમાં ફસાયેલો યુવાવર્ગ આ જવાબદારી નિભાવી શકશે? આજની તેમની દિશા અને દશા જોતા દેશનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે.

       પ્રાચીન ભારતમાં યુવાનોએ યોગ અને અખાડાના દાવ-પેચથી સ્વસ્થ,સુડોળ,સશક્ત બની તથા નિર્વ્યસની, ત્યાગી અને પરાક્રમી બની ભવ્ય ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપેલ છે. તેમણે આપેલા પ્રદાનને ઇતિહાસમાં જોઇ શકીએ છી.પરંતું આજે વ્યસનોની આંટીધુટીંમાં અટવાયેલો ધણોખરો યુવાવર્ગ પોતાની કંચનવર્ણી કાયાને લૂણો લગાડી પોતાની જવાબદારીઓથી વિમુખ થઇ રહ્યો છે.

       આજના ધણાખરા યુવાનોની સવારની શરૂઆત તમાકુ,મસલા,ગુટખા કે બીડી-સિગારેટના સેવનથી થાય છે.આ બાબત યુવાનોની બદલાયેલી દિશા સૂચવે છે. આજનો ધણોખરો યુવાવર્ગ વ્યસનોની ભયાનક્તાને જાણતો હોવા છતા અજાણ બની દરેક ક્ષણે નશામાં ચકચૂર બની પોતાની મહામૂલી કાયામાં ધીમું ઝેર રેડી પોતાની જાતને અશક્ત,આળસું અને અનિયમિત બનાવી પોતેજ પોતાનો દુશ્મન બની કુટુંબ,સમાજ અને દેશ સાથે દગો કરી રહ્યો છે.

       પ્રવર્તમાન સમયમાં જાહેર સ્થળોએ પાન-મસાલાની પિચકારીઓથી ખરડાયેલા દિવાલોના ખૂણા યુવાનોની બદલાયેલી દિશા અને દશાની ચાડી ખાય છે.પરંતુ યુવાવર્ગ આ ખરડાયેલા ખૂણાઓની દસા પરથી પોતાના શરીરની દશાને પામી શક્તો નથી આપણા દેશમાં ઔષધિય દુકાનો કરતા અનેક ધણી ધીમા ઝેરરૂપી પાન-બીડી,તમાકુ,ગુટખાનું વેચાણ કરતી હાટડીઓ અસ્તિત્વ ધરાવે છે. અને યુવાનો હરખથી પૈસાનું પાણી કરી ધીમા ઝેરને આરોગે છે.

       દારૂના સેવનને અમીરીની ઓળખ માની ચૂકેલા નબીરાઓ દારૂ પાછળ પોતાની કમાણીનો મોટો હિસ્સો ખર્ચી નાખે છે. અને અકારણ ગરીબીનો ભોગ બની પોતાના બાળકોને શિક્ષણથી વંચીત રાખી તેમના ધડતરની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવી શક્તા નથી અને પોતાના પરિવારને દુ:ખોની ઊડી ખાઇમાં ધકેલી દે છે.

       આવ્યસનોએ યુવાનોને અશક્ત,આળસુ અને ખોખરા કરી તેમની દશા બગાડી નાખી છે.યુવાનોના વર્તનને આદર્શ માની બેઠેલા બાળકો પણ તેમના રસ્તે ચાલતા અચકાતા નથી અને તેઓ પણ વ્યસનોના ગુલામ બની જાય છે.મા-બાપની ઘડપણની લાકડી બનનાર યુવાન વ્યસનો થકી પોતેજ  અકાળે વૃદ્ધ બની કે મોતને ભેટી મા-બાપના અરમાનોને ધૂળધાણી કરીનાખી મા-બાપનું ઘડપણ બગાડે છે.

       યુવાવસ્થામાં ચઢતા લોહીમાં વ્યસનોની અસર વર્તાતી નથી પરંતુ સમય જતા શરીરમાં અશક્તિ,આળસ અને અરૂચિ દ્વારા વ્યસનોની અસરો છતી થાય છે. અને જ્યારે તેઓ વ્યસનની ચૂંગલમાંથી છૂટવા માગે છે.ત્યારે ખૂબ જ મોડુ થઇ ચૂક્યું હોય છે. અને તેમના પસ્તાવાનો કોઇ પાર રહેતો નથી

       કુટુંબ,સમાજ અને દેશના વિકાસમાં અવરોધક આ પરિબળોને પરાસ્ત કરવા યુવાનોએ જાગૃત થવાની તાતી જરૂરિયાત છે. વખત વહી જાય તે પહેલા યુવાનોએ પોતાની દિશા અને દશા બદલી વર્તમાન તેમજ આવનાર પેઢીના સાચા માર્ગદર્શ બનવાની જરૂરિયાત છે. બાળકોમાં યુવાનોનું સીધુ પ્રતિબિંબ ઝીલાતું હોવાથી બાળકોમાં ઉમદા સંસ્કારોના સિંચન માટે અને દેશની આજ અને આવતીકાલ સુધારવા યુવાનોએ પોતાની દિશા અને દશા બદલવી પડશે સમાજમાં ધીમાં ઝેરની હાટડીઓમાં મોતને નાની પડીકીઓમાં વેચી પેટીયું રળતા લોકોને પણ બીજાના સ્વાસ્થ્ય સાથે ખેલવાનો કોઇ અધિકાર ન હોવાથી તેમણે આજીવિકા રળવા બીજો વ્યવસાય અપનાવવો જોઇએ

       સામાન્યરીતે દરેક બઇમાન વહેપારી ઇમાનદાર નોકરની ખેવના રાખતો હોય છે.તેમ સંસારનો દરેક દુરાચારી વ્યસની અને અસંસ્કારી વ્યક્તિ પણ સદાયે સદાચારી,નિર્વ્યસની અને સંસ્કારી સંતાનની ઝંખના રાખતો હોય છે.તો આવા દુરાચારી વ્યસની અને અસંસ્કારી માતા-પિતાઓએ સંતાનો પ્રત્યેની ઉમદા આશાઓને સાકાર કરવા ઉત્તમ આચરણ થકી આદર્શ વ્યક્તિત્વ કેળવી સંતાનોના આદર્શ બનવું પડશે જેવીરીતે મોરના ઇંડા ચિતરવા નથી પડતા તેમ સંસ્કારસજ્જ માતા-પિતાના બાળકોને સંસ્કાર સિંચવા નથી પડતા માટે જ કહેવાય છે. કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા સંસ્કારએ સમાજનું આગવું આભૂષણ છે. જેના થકી માનવી અને સમાજ બંન્ને શોભાયમાન છે. માટે સંસ્કારભર્યું આચરણ આપણા સૌ માટે અનિવાર્ય છે.

લેખક – શ્રી રાજેન્દ્રકુમાર દ્વારકાદાસ પટેલ

શ્રી જે.એસ.પટેલ વિદ્યામંદિર, રાંધેજા, ગાંધીનગર     

 
Leave a comment

Posted by on મે 19, 2011 માં વિજ્ઞાન

 

Leave a comment